હાઈકુ

image

(૩૪૧)
આંખો દેખાડે
મન પટ પર જે
વાત સંતાણી

(૩૪૨)
કહ્યા વિનાયે
કહ્યું ઘણુ, ભલે ના
તમે કહેતા

(૩૪૩)
એક ઝરુખે
તમે નિહાળો, અમે
બીજે ઝરુખે

(૩૪૪)
કોલાહલમાં
રહ્યો શોધતો એક
શૂન્ય અવાજ

(૩૪૫)
મળ્યાં હતાં જે
વાતવાતમાં, આંખ
હૈયુંને મન

(૩૪૬)
રુષ્ઠ નજર
ખબર શું કાજળ
શોભાવે આંખ

(૩૪૭)
તારી પાછળ
પરસાળ છે થાકી
મારા ચરણે

(૩૪૮)
નેણ નિચોવ્યા
તારા પથ પર મેં
રાહ સંગાથે

(૩૪૯)
બસ એ સ્મિત
આપ્યું જે અનાયાસે
સદાય મારું

(૩૫૦)
રૂપ વખાણું
કે રૂપ ઘડનાર
વખાણું કોને?

Advertisements

હાઈકુ

image

(૩૩૧)
સામસામે ને
તોય અળગા રહ્યાં
હૈયા બેઉંના

(૩૩૨)
ભરી હથેળી
રણ રેતીથી, સરી
પડી રેખાઓ

(૩૩૩)
લક્ષ સમીપે
સાવધ બંદો સાધે
લક્ષ સહજ

(૩૩૪)
હંકાર નાવ
વિશ્વજલધિ અતિ
ડૂબાવે મંહી

(૩૩૫)
ભરબપોર
ભડકે છાયા દેખી
તપ્ત તડકો

(૩૩૬)
લહિયો લખે
ને સર્જાય સર્જક
કાવ્ય માંહ્યલો

(૩૩૭)
જરા અમથી
રાત ઢળી ને સુતા
જાગ્રત જન

(૩૩૮)
તરસે કોઈ
ડૂબી જલધિ માંહે
સૂકા મનડા

(૩૩૯)
ઢંઢોળી રાત
છે નીકળી માંહેથી
ભીની પરોઢ

(૩૪૦)
ખરે વાયરો
ઢંઢોળ્યો વિંઝણો ને
તનડે હાશ.. !

હાઈકુ

image

(૩૨૧)
કંકણ બોલ્યું
કર જુલમી બાંધી
ખુદ બંધાયો..!

(૩૨૨)
હરખ  ઘણો
આયનો કરતો’તો
દૃશ્ય ઘેલછા

(૩૨૩)
તારું કાંઈ છે?
ખુદથી પુછાતો હું
પ્રત્યુત્તર શું?

(૩૨૪)
ટીંપાનો રવ
આભલેથી આવીયો
ભીંજવતો સૌ

(૩૨૫)
માટી મહેંકી
અત્તર આસમાની
કોણ છાંટતું?

(૩૨૬)
ભીનો શ્રાવણ
વરસ્યો સાવ કોરો
ને ભાદરવો?

(૩૨૭)
સ્મિત હવે તો
સખી આપના રવિ
પશ્ચિમ સમા

(૩૨૮)
સાવ બેરંગ
બારણું  રાહ જોતુ
શ્રી ૧| લેખની

(૩૨૯)
અણધારી એ
આવી વસી આભલે
કાળી અમાસ

(૩૩૦)
હેતે હેવાયા
ક્યાંક વસી ન જાઉં
તવ ઉરમાં

સૉનેટ

image

નથી શબ્દોમાં  બંધાવાની  આદત મુજને ક્યારે,
નયનના એક પલકાર તણી મુદત જોઈતી નથી,
હું  તો  બંધાણી  છું    એક   મૌનની    મદિરાનો,
શબ્દોના અફીણની ભેળસેળ મારે જોઈતી નથી,

કલમ તો ચાલશે મારી બસ છેલ્લા શ્વાસ સુધી જ,
ગઝલને   મ્હારી   કોઈ    શ્વાસની  જરૂરત  નથી,
દે  ઊછીનું  હ્રદય  જો  મને  તું   આ જનમમાં  તો,
મારા  હ્રદયની  આ જનમમાં મારે  જરૂરત  નથી,

ભીની માટીની મહેંક દે છે સદા તારો મને અહેસાસ,
વાદળની  જોવી વાટ  હવે મુજને સહાતી  નથી,
સજીને   તું   છે   આવી   સાદગી   ભરી  લજ્જા,
સોળ શૃંગારની અગ્નિ આંખે હવે ભરાતી નથી,

ન  ઠરે  આંખ  ક્યારેય, સીવાય  હો અંતિમ  વેળા,
આલિંગન મોતનું ‘અન્ય’,  જીંદગીને બાથ હવે ભરવી નથી.
   
– ‘અન્ય’ અનુજ સોલંકી

Blog ID : anujsolanki.wordpress.com
Gmail ID : anujsolanki1916@gmail.com

અસ્ત

image

પશ્ચિમ  કાંઠે,   સ્વર્ણ  રંગમાં ,
સૂરજ  જાયે,  સાગર  જળમાં ,
ને  લોક  કહે,  ‘ અંધકાર…? ‘
સૂર્ય-અસ્ત….     સૂર્ય-અસ્ત….
સૂર્ય-અસ્ત….     સૂર્ય-અસ્ત….

એજ સૂરજ, ફરી એજ રંગમાં,
પૂરવ   તીરે ,   અરુણોદયમાં ,
ને  લોક  કહે ,  ‘અજવાશ…! ‘
      અંધકાર-અસ્ત…. અંધકાર-અસ્ત….
     અંધકાર-અસ્ત…. અંધકાર અસ્ત….

એજ સૂરજ છે,  એજ છે રંગ,
દિશા-દિશાનો આ બસ જંગ,
અહીં  ઉદય  બીજે છે અસ્ત,
ભિન્ન-ભિન્ન  નજરો  છે  બસ,

ને  આમ  જુઓ  તો  છે    સૂરજ  દિનની   દીવાદાંડી,
ને  રાતલડીના  તારલીયાઓએ  વાત છે કોઈ માંડી,
દિનમાં  સૂરજ, રાતે તારલાં, આભલું  હરપળ વ્યસ્ત,
અંધકાર અસ્ત…. સૂર્ય-અસ્ત….
અંધકાર અસ્ત…. સૂર્ય-અસ્ત….

– ‘અન્ય’ અનુજ સોલંકી

Blog ID : anujsolanki.wordpress.com
Gmail ID : anujsolanki1916@gmail.com

હાઈકુ

image

(૩૧૧)
નાનેરી મ્હારી
કલમે ઢોળી શ્યાહી
કાગળ પર

(૩૧૨)
કણ બાજરો
કરી દીધો ધરાએ
મણ બાજરો

(૩૧૩)
ફરે આંગળી
ફેરવતી મણકા
ભક્તિ ગણિત

(૩૧૪)
બાળપણની
યાત્રા : રખડપટ્ટી
મિત્રો સંગેની

(૩૧૫)
આંખ ચોળતી
ઊભી સખી કરતી
રાતને યાદ

(૩૧૬)
સરવાળો છે
ચાર આંખડીઓનો
જવાબ શૂન્ય

(૩૧૭)
નિશ્ચિત નથી
વેળા મિલન તણી
થાય ગમે ત્યાં

(૩૧૮)
તમે તમારાં
અમે અમારા, બેઉ
ક્યાંક ખોવાણાં

(૩૧૯)
રહી અશબ્દ
કાંઈ કેટલાય છે
કર્યા સંવાદ

(૩૨૦)
ચાલ ડૂબીયે
નીલ આંખડી માંહે
એકમેકની

હાઈકુ

image

(૩૦૧)
ફડફડાવી
પાંખ જો પંખીડાએ
ઉપર આભ

(૩૦૨)
ગુંજારવનો
જામી રહ્યો પ્રયાગ
સવાર-સાંજ

(૩૦૩)
ઝળહળતું
આભલું મધરાતે
જલતાં તારા

(૩૦૪)
ઉભરાણા કાં
સાગર જળ મંહી
વહ્યો વિરહ

(૩૦૫)
દેખતા પત્ર
પિયુ તણો સુવાસ
મ્હોરી મ્હારી રે..

(૩૦૬)
અડક્યા હોઠ
ગાલ રતુમડાં ને
ભીનું યૌવન

(૩૦૭)
ઝરમરિયો
છબછબ વરસ્યો
મન મેહુલો

(૩૦૮)
ખણખણતાં
સિક્કા ખોવાણાં મ્હારાં
ગજવા માંહે

(૩૦૯)
ભટક્યું પંખી
વાદળ ઓઢ્યા આભે
કાળું ડિબાંગ

(૩૧૦)
પહેલું ટીંપુ
વિરહ ભૂંસે, બીજું
વહાલ ભીંજ્યું