મરક મરક ને આંખે હરખ

મરક મરક ને આંખે હરખ,

ચહેરે જાણે ચાંદી વરખ,

સરક સરક જેની ન પરખ,

ગલુડીયું સમજે તું ઝરખ,

નરક નરક પાપીને ભરખ,

ને પુણ્યશાળીને પણ પરખ,

થરક થરક જડતા નવ રખ,

ઉત્તુંગ શિખરની આશ તું રખ;

થોર

image

સાવ કાંટા ભર્યો ન જુઓ મને,
ભીનો છું મહીંથી, સાવ કોરો નથી.
પહેલાથી જ હું ઉગ્યો થોર જેવો,
વાવણીમા મારી કોઈ વિધી નથી.

એક હાઈકુ, હાઈકુના ભૂતપૂર્વ સ્વરૂપના બંધારણ મુજબ (5-7-5-7-7)

image

    એક સ્પર્શનો
અભાવ હતો બસ
     લજામણીને,
બાકી તો આવડે છે
  એનેય શરમાતાં.
                  – અન્ય

તું મળી (અછાંદસ)

image

તું મળી,
મને તું મળી,
બહુ જ લાંબા સમય બાદ,
કહેવડાવી દે મારાથી કે,
પાનખરથી વસંત સુધીના લાંબા અંતરાલ બાદ
મને તું મળી,
ખુબ જોવડાવી રાહ,
મારી નજરોને કોઈ ચોક્કસ સ્થાને તું કરાવી દેતી સ્થિર,
કે જાણે હમણાં જ તું આવીને ત્યાં બેસીશ,
ને હું ઘેલો હાંફળો થઈ ત્યાં,
છુપાતી ને ચોરાતી નજરે,
ક્યારેક કોઈ ભેરુની આડાશે જોઈશ તને,
પણ છતાંય એ રિક્ત સ્થાન…..
ને આજ અચાનક આમ મળી જઈશ,
નહોતું હૃદયમાં કે નહોતું મારા એ ભાવ-વિશ્વમાં કે,
જ્યાં સદાય તારી
કોઈને કોઈ રમણા હું નિહાળી જ રહ્યો હોઉં,
કે જેમાં,
તારું કોઈવાર માત્રને માત્ર,
મારા માટે જ જોવાયેલી નજરોનું દૃશ્ય,
કે જેમાં તારા પલકારાની અસ્થિર ગતિ જોઈ,
મારાથી જે છળી પડાતું.,
તો કોઈવાર,
તારા હોઠે સ્પર્શાઈ મારા કાને આવેલા,
મારા નામરૂપી અવાજનો સ્પર્શ,
હું બસ યાદ કરીને સ્મરણો શણગારતો,
ને આજ તું આમ મળી,
હા, તું મળી,
બસ ‘તું’ જ મળી.
ને હું ઘેલો, સાવ ઘેલો,
બસ રાહ જોઈ રહ્યો હતો,
ક્યારે ‘આપણે’ મળીયે…
ખોવાઇ ગયો ‘હું’
ખોવાઇ ગયું ‘આપણે’
બસ માત્રને માત્ર મને ‘તું’ જ મળી…
‘તું’ મળી…
મને ‘તું’ મળી…

– ‘અન્ય’

હાઈકુ

image

(૫૧૧)
છલકે બેડું
ચલતી પનીહારી
ભીંજાય તન

(૫૧૨)
નથી સ્મરણ
કોઈ વાતનું, બસ
એક તું યાદ

(૫૧૩)
ઘટ ભરાયો
છલકાતા જળમાં
છલકાઈને

(૫૧૪)
ચાંદની બેઠી
સર જળ ઉપર
ચંદ્ર વિયોગે

(૫૧૫)
હર પર્ણમાં
હરિહર વસતા
ફરફરતાં

(૫૧૬)
આંગણું બોલે
વેરાણા થોડાં દાણાં
તુલસી કોરે

(૫૧૭)
કમળ પુષ્પે
ભ્રમર ગુંજે. જળ
કરે કિલ્લોલ

(૫૧૮)
તડકો પડ્યો
વૃક્ષ ઉપર, ઓઢી
ચાદર લીલી

(૫૧૯)
ઘેરી ચાદર
ઓઢી, થરથરતું
ઊભું ઝાડવું

(૫૨૦)
હરિત મંચે
ખેલી રહ્યો રમત
ટાઢો તડકો

હાઈકુ

image

(૫૦૧)
પગથિયાની
બેઠક બનાવીને
બેઠી ત્રિપુટી

(૫૦૨)
ભારતી ઊરે
જન મંગલગાન
યદા યદા હી

(૫૦૩)
ન ધરું આંખે
આંસું એકેય તારું
હું જ રડતો

(૫૦૪)
યાદોના પાન
ખરી રહયા, વીરહી
પાનખરમાં

(૫૦૫)
ચાલ છોડને
જૂની એ યાદો, નવી
યાદો બાંધીયે

(૫૦૬)
ચાંદ ચકોર
બિંબ પ્રતિબિંબ શાં
એકમેકના

(૫૦૭)
વર્ષા મહોરી
પોષે સાગરજળ
ઘેલા વાદળા

(૫૦૮)
નયન મન
તન તદ્ જીવન
મીલન ક્રમ

(૫૦૯)
પ્રેમ એટલે
શું કહેવાય ? મને
ખબર નથી

(૫૧૦)
છે નિરંતર
ભાગતો  વનચર
રેઢો વાયરો

હાઈકુ

image

(૪૯૧)
કલમ, શ્યાહી,
કાગળનો સંગમ
હું લખાણ છું

(૪૯૨)
પિતૃ ગૃહને
છોડી જાયે તનુજા
શ્વસુર ગૃહે

(૪૯૩)
સર્જક વત્તા
કલ્પના બરાબર
થાય સર્જન

(૪૯૪)
બેસી ખાટલે
સ્ત્રી કોડભરી કોઈ
જુએ સપના

(૪૯૫)
ડાળ છોડતા
પંખી ટહુક્યું, એ શું ?
ચિત્કાર કે શું ?

(૪૯૬)
ન મીરાં હતી,
ન રાધા હતી, હતી
મ્હારી એ પ્રિયા

(૪૯૭)
ખટખટાવ્યા
દ્વાર પણ, ભીત્તર
જ તાળું હતું

(૪૯૮)
ખુબ લખવા
છું મથ્યો, પણ નવ
શુભ લખવા

(૪૯૯)
સ્વપ્નો વીસાર્યા
જાતના, જોવા હતા
સ્વપ્નો તુજના

(૫૦૦)
શબ્દો ઘૂંટ્યા છે
વચમાં જરા હુયે
ઘુંટાઈ ગયો

હાઈકુ

image

(૪૮૧)
હાથે કલમ
પકડી, શબ્દો માંહે
પકડાયો હું

(૪૮૨)
ઝટ ચાલ તું,
મારે હજી (છે) ચાલવું
જગ મ્હાલવું

(૪૮૩)
નદીનું વ્હેણ
ઝરણાને આભારી
સાગર થવા

(૪૮૪)
બેડું ભરતી
સરિતા, જઈ પાસ
સાગર તટ

(૪૮૫)
પથ્થર પણ
પિગળે, ઝરણા જો
વહે પર્વતે

(૪૮૬)
પ્હેરી મહોરાં
સાચા માણસ પ્હેરે
નકલી વેશ

(૪૮૭)
શ્યામલ તારી
વાંકી નેણલી, કોઈ
મૃગલી છોરી

(૪૮૮)
કદમ્બ ડાળી,
વાંસની બંસી, હોઠ
કાનના, સૂર..??

(૪૮૯)
ગીત, ગઝલ,
કાવ્ય, હઝલ,. અંતે
લખાયો શબ્દ

(૪૯૦)
હું વાલમીયો,
છે તું મારી વાલમા,
ભીંજ્યો વ્હાલમાં

હાઈકુ

image

(૪૭૧)
સિવાય તારા
ચંદ્રમાનું છે કોણ..?
વિશાળ આભે

(૪૭૨)
ભવાઈ કરી
ભર બજારે, પછી..?
છે રિક્ત પાત્ર…!!!

(૪૭૩)
રસ્તાની માંગ
મુસાફર રોજના
એકલા ફાવે..??

(૪૭૪)
ખાવા બેસતા
ભૂખને પુછાયું કે,
કેમ રોજ તું..?

(૪૭૫)
નથી એકલો
અંધારે પણ સંગે
છે મારો અહમ્

(૪૭૬)
છબી બોલતી,
નિ:શબ્દ લાગે કેમ ?
કાચાવરણ

(૪૭૭)
ભડકી ઊઠયો
જોઈ છાયા, તડકો
જો ભાગે દૂર..!!!

(૪૭૮)
અનામી પણ
સદાય નામધારી
જન છે પોઢે

(૪૭૯)
ચાંદની રાત
સરોવર સંગાથ
પોયણું ખીલે

(૪૮૦)
આંખો ભરાયી
ઝાકળે, વિરહના
તાપે સુકાઈ

હાઈકુ

image

(૪૬૧)
નજર જોતી
સામે કોરતી આંખે
ખુદની છબી

(૪૬૨)
આભ-સાગરે
ગોથા ખાતો ફરતો
મીન-પતંગ

(૪૬૩)
માઁજો કપાયો
પડયો ભટકી આભે
દીન પતંગ

(૪૬૪)
એકલો આભે
કાપવા અન્યને, તે
ઉડે પતંગ

(૪૬૫)
છે જગાવી મે
સુવડાવી રાતને
જાતને મ્હારી

(૪૬૬)
પાંખ પર ઘા
આભ હવે તો બસ
બન્યું આભાસ

(૪૬૭)
વાયરો પણ
અજીબ, ગમે તેને
વહાવી જાય

(૪૬૮)
તારી વાતમાં
મારી વાત છુપાયી
શોધી રહ્યો હું

(૪૬૯)
હાથમાંથી એ
છોડાવી હાથ જાય
મને શું થાય…?

(૪૭૦)
કોરો કાગળ
પણ વિચારે આજ
પત્ર કે રદ્દી..?